દેશનો સર્વપ્રથમ એક્સપ્રેસ હાઈવે જે અમદાવાદથી વડોદરા વચ્ચે 93 કિમીનો છે તેના નિર્માણ પાછળ 548 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેની સામે છેલ્લા 8 વર્ષના સમયગાળામાં ટોલ કલેક્શનની રકમ 2069 કરોડ રૂપિયાથી વધુએ પહોંચી છે. આરટીઆઈના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ માહિતી આપી છે કે ઓક્ટોબર 2016થી લઈને ઓગસ્ટ 2024 સુધીના ગાળામાં કુલ 2069 કરોડ ટોલ કલેક્શન થયું છે. વર્ષ 2023માં સૌથી વધુ 323 કરોડ ટોલ કલેક્શન થયું છે.
સૌથી વધુ ટોલ કલેક્શન 956 કરોડ વડોદરા ટોલ પ્લાઝા ખાતે થયું છે, જ્યારે અમદાવાદના સીટીએમ અને રિંગ રોડના ટોલ પ્લાઝા મળીને કુલ ટોલ 858 કરોડનો થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ગુજરાતના અધિકારીએ આ અંગે જણાવ્યું કે, મેન્ટેનન્સ અને નેશનલ એક્સપ્રેસ હાઈવે સુધારણા ખર્ચની વિગતો એકત્ર કરીને બાદમાં આપવી પડે એમ છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇ-વે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના આંકડા મુજબ, 2022-23માં માત્ર બે રાજ્યો- મેઘાલય (93 કરોડ) અને હિમાચલ પ્રદેશ (55 કરોડ)માં 100 કરોડ રૂપિયાથી ઓછો ટોલ કલેક્શન કરવામાં આવ્યું છે. છત્તીસગઢ, ઝારખંડ, આસામ, કેરળ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં 400થી 800 કરોડ ટોલ વસૂલાયો છે.