રેડ સી પર સતત વધી રહેલા હુમલા અને વધતા સંકટને કારણે વર્ષ 2024માં તે વેપાર વોલ્યૂમ પર નોંધપાત્ર રીતે પ્રતિકૂળ અસર કરી શકે છે તેવું ઇકોનોમિક થિન્ક ટેન્ક GTRIના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) અનુસાર શિપિંગ અને ઇન્સ્યોરન્સનો વધતો ખર્ચ અને સપ્લાયમાં વિલંબથી વૈશ્વિક વેલ્યૂ ચેઇન પ્રભાવિત થશે, માર્જિન ઘટશે. એશિયા, આફ્રિકા અને યુરોપ જેવા દેશોમાં ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ અડચણો જોવા મળી શકે છે. આ અવરોધો ભારતીય વેપાર પર અસર કરશે અને ખાસ કરીને મિડલ ઇસ્ટ, આફ્રિકા અને યુરોપમાં વધુ વ્યાપક અસર નોંધાશે.
ક્રૂડ ઓઇલ અને LNGની આયાત માટે બાબ અલ મંદીબ પર નિર્ભર ભારત આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની અડચણથી આર્થિક અને સલામતીનું જોખમ ધરાવે છે. નાણાકીય વર્ષ 2023માં દેશની ક્રૂડ ઓઇલની 65% આયાત જેનું મૂલ્ય $105 અબજ હતું. તેની આયાત ઇરાક, સાઉદી અરબ અને અન્ય દેશોમાંથી કરવામાં આવી હતી. તે સુએઝ કેનાલ મારફતે આયાત કરવામાં આવી હતી. યુરોપ અને ઉત્તર આફ્રિકાથી 50% આયાત અને 60% નિકાસ માટે આ રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.