કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની અરજી પર શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે અરજી પર કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ પૂછ્યું છે. આ અરજી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરી છે.
કાર્યકારી ચીફ જસ્ટિસ વિભુ બખરુ અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે સરકારી વકીલ તરફથી જવાબ ન મળે ત્યાં સુધી વધુ આદેશો મુલતવી રાખ્યા હતા.
કોર્ટે સ્વામીની અરજી પર ઔપચારિક નોટિસ જારી કરી ન હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા પ્રોક્સી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે આ મામલે કેન્દ્ર સરકાર વતી હાજર થવા માટે એક વરિષ્ઠ વકીલને નામાંકિત કરવામાં આવ્યા છે. નવા વકીલને કેસ સમજવા માટે સમયની જરૂર છે. આના પર કોર્ટે કેસની સુનાવણી 13 જાન્યુઆરી, 2025ના રોજ નક્કી કરી છે.