ભારતના બંધારણ દ્વારા રાષ્ટ્રભાષા હિન્દીને 14 સપ્ટેમ્બરના માન્યતા મળતા દર વર્ષે આ દિવસ ‘હિન્દી દિન’ તરીકે ઉજવાય છે. બિન હિન્દી રાજ્યમાં હિન્દી પ્રચાર જરૂરી છે અને તેના માટેના આયામો આઝાદીકાળથી અમલમાં છે. સરકાર દ્વારા કેન્દ્રીય હિન્દી સંસ્થાન આગ્રા ખાતે શરૂ કરાયું છે. નોંધનિય છે કે, કચ્છના હિન્દીના પ્રચારકો આજથી 60 વર્ષ પહેલા ગાડામાં બેસીને ગામડાઓમાં જઈને હિન્દી પ્રસારની સેવા કરતા હતા અને આજે પણ હિન્દી પ્રસારયાત્રા ચાલુ રહી છે.
વર્તમાનની વાત કરીએ તો, સરકારી નોકરી માટે હિન્દીની પરીક્ષાઓ આપવી ફરજિયાત છે ત્યારે ભુજના સંસ્કૃત પાઠશાળા કેન્દ્રના માધ્યમથી લેવાતી હિન્દી સમિતિની પહેલી, દૂસરી, વિનિત, બીએ સમકક્ષ સહિતની પરીક્ષાઓમાં 1992થી અત્યાર સુધી અંદાજે સવા લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે તેમ સંસ્કૃત પાઠશાળાના સંચાલક એવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકર અંતાણીએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ ઉપરાંત ન્યાયાધિશ, નાયબ કલેકટર અન્ય સરકારી વર્ગ 1ના અધિકારીથી માંડીને વર્ગ 4ના કર્મચારીઓનો સમાવેશ થાય છે તેમ પૂરક વિગતો આપી હતી. કોઇ મહેનતાણા વગર આ પરીક્ષાઓ અને તેના વર્ગો લેવાય છે જે દાતાઓના સહકારથી બાળકોને પ્રોત્સાહિત કરાય છે.