દિવાળી પર્વ પહેલાં ગઈકાલે સાંજે વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઇન્સની ફલાઇટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. જેને પગલે એરપોર્ટ ઓથોરિટી, વડોદરા પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. ઈન્ડિગો ફ્લાઈટ અને એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
વડોદરા એરપોર્ટ પર છેલ્લા 25 દિવસમાં બીજી વખત બોમ્બની ધમકી મળી છે. ગઈકાલે સાંજે ઈન્ડિગો એરલાઇન્સને ઈમેલમાં ધમકી મળી હતી કે ફ્લાઈટ નંબર 807માં બોમ્બ મુકાયો છે. તેની સાથે દેશના વિવિધ એરપોર્ટ પર 35થી 40 ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. જેને પગલે વડોદરા પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ બોમ્બ અને ડોગ સ્કવોડની મદદથી ચેકિંગ શરૂ કર્યું હતું. જોકે, તપાસની અંતે કશું મળ્યું ન હતું જેથી પોલીસે અને એરપોર્ટ ઓથોરિટીએ હાશકારો અનુભવ્યો હતો.