યુએસની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ આ સપ્તાહના અંતે યોજાનારી US ફેડની બેઠકમાં ફરી એકવાર રેટ કટની શક્યતા વચ્ચે RBI પણ રેટકટ કરશે તેવી અટકળો પર સ્પષ્ટતા કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસીના વલણને ન્યૂટ્રલ કરવાથી આગામી MPC બેઠક દરમિયાન વ્યાજદરોમાં કાપ મૂકવામાં આવે તેવો અર્થ થતો નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે વલણમાં ફેરફાર કર્યો એટલે આગામી પગલું રેટકટ હશે તેવી ધારણા ખોટી છે. માત્ર વલણમાં ફેરફારથી જ રેટકટ શક્ય છે તેવું નથી. BFSI ઇનસાઇટ સમિટને સંબોધિત કરતા તેમણે આ સ્પષ્ટતા કરી હતી. RBIએ છેલ્લા બે વર્ષથી વ્યાજદરો યથાવત્ રાખ્યા છે અને છેલ્લી બેઠક દરમિયાન ન્યૂટ્રલ વલણ અપનાવ્યું છે. જેને કારણે આગામી બેઠકમાં રેટકટની અટકળો તેજ બની હતી.
દાસે ફુગાવાના જોખમને ધ્યાનમાં રાખીને આગામી પગલું સતર્કતા સાથે લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. RBI અનુસાર કેટલાક જોખમોમાં ભૌગોલિક રાજકીય તણાવ, ભૌગોલિક આર્થિક તણાવ, ક્લાઇમેટ અને હવામાનના લગતા જોખમો અને કોમોડિટીની ઊંચી કિંમતો સામેલ છે.