HCLના સહ-સ્થાપક શિવ નાદર દેશના સૌથી મોટા દાનવીર છે. શિવ અને તેમના પરિવારે ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં 2,153 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એટલે કે રોજના 5.90 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ માહિતી એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2024માં આપવામાં આવી છે.
ગુરુવાર, 7 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી આ યાદીમાં નાદર પરિવાર ટોચ પર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર બીજા ક્રમે છે. અંબાણીએ નાણાકીય વર્ષ 2023-24માં 407 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. બજાજ પરિવારે 352 કરોડ રૂપિયાનું દાન આપીને યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ 2023 કરતાં 33% વધુ છે.
દાતાઓની યાદીમાં ટોચની 10 હસ્તીઓએ કુલ રૂ. 4,625 કરોડનું દાન આપ્યું છે, જે યાદીમાંના કુલ દાનના લગભગ 53% છે. ક્રિષ્ના ચિવુકુલા અને સુસ્મિતા અને સુબ્રતો બાગચીએ યાદીમાં 7મું અને 9મું સ્થાન મેળવ્યું છે. ટોચના 10 દાનવીરોમાંથી 6એ તેમના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ શિક્ષણ માટે વધુ નાણાં આપ્યા છે.