કડી તાલુકાના થોળ રોડ ઉપર આવેલ બોરીસણા ગામે રવિવારના દિવસે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જે બાદ સોમવારે 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ વાહનમાં લઈ જવામાં આવેલા હતા. જે બાદ હોસ્પિટલમાં દાખલ કરીને દર્દીઓને એન્જ્યોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિક કરવામાં આવી હતી. જે બાદ બોરીસણા ગામના 19માંથી બે લોકોના મોત થયા હતા. આ વાતની જાણ બોરીસણા ગ્રામજનોને થતાં તેઓ તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલ હલ્લાબોલ કરી તોડફોડ કરી હતી.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું ષડયંત્ર સામે આવ્યું છે. બોરીસણા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજી 19 લોકોને બસમાં બેસાડી ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ બોરીસણા ગામના નાગર સેનમા અને મહેશ બારોટનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા છેલ્લા એક-બે મહિના નહીં પરંતુ છેલ્લા દોઢ બે વર્ષથી કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ યોજી ગ્રામ્ય વિસ્તારની ભોળી અને અભણ પ્રજાને છેતરવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. કડી તાલુકાના વાઘરોડા, લક્ષ્મણપુરા, વિનાયકપુરા, ખવાડ, કણઝરી, ખંડેરાવપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પાસે પીએમજેવાય કાર્ડ હોય તેઓને બીજા દિવસે બસમાં અથવા તો ખાનગી વાહનમાં ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હતા અને ત્યાં એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી.