દેશભરના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે. ઉનાળામાં વરસાદી માહોલના કારણે આ વર્ષે ઇલેક્ટ્રોનિક્સ-એફએમસીજી, બેવરેજિસ કંપનીઓની ઉનાળાની સિઝન બગડી છે. ઉનાળામાં કૂલિંગ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ ગતવર્ષની તુલનાએ આ વર્ષે ડબલ ડિજિટના ગ્રોથની આશા હતી તેની સામે વેચાણ લક્ષ્યાંક કરતા વેચાણ 35-40 ટકા સુધી ઘટી ચૂક્યા છે.
માર્ચ, એપ્રિલ બાદ મે મહિનામાં વરસાદ અને વાદળોના કારણે ગરમી સામાન્ય કરતાં ઓછી રહી હતી. જેના કારણે મોટાભાગના લોકોએ એસી, કુલર, ફ્રીજ ખરીદવાનો પ્લાન મોકૂફ રાખ્યો હતો. એટલું જ નહિં આઈસ્ક્રીમ અને કોલ્ડ-ડ્રિંક્સ જેવા ઉત્પાદનોના વેચાણમાં પણ ઘટાડો થયો છે. ટેલ્કમ પાઉડર, કોલ્ડ ઓઈલ જેવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાની જરૂર રહી ન હતી. રિટેલ સેલ્સ ટ્રેકિંગ કરતા પ્લેટફોર્મ બિઝોમના જણાવ્યા અનુસાર માર્ચ અને મે મહિના વચ્ચે સોફ્ટ ડ્રિંક્સના વેચાણમાં ગતવર્ષની સરખામણીમાં 25% થી વધુનો ઘટાડો થયો છે. આઈસ્ક્રીમના વેચાણમાં પણ 38% અને સાબુના વેચાણમાં 8% થી વધુનો ઘટાડો થયો છે. જ્યારે એસીના વેચાણમાં સૌથી વધુ 40%નો ઘટાડો થયો છે.
ઉનાળાની સિઝનમાં 50-60 ટકા વેચાણ થાય
એસી, ફ્રિઝ, કૂલર ઉપરાંત કોલ્ડ-ડ્રિંક્સ, ટેલકમ પાવડર જેવી અન્ય પ્રોડક્ટના વાર્ષિક વેચાણ હિસ્સામાંથી માત્ર માર્ચથી 15 જૂન સુધીમાં સરેરાશ 50-60 ટકા વેચાણ આ સમયમાં થઇ રહ્યું છે. પરંતુ આ વર્ષે ડિલર તથા રિટેલ વેચાણકર્તાઓ સ્ટોક ખાલી કરી શક્યા નહીં.