સુરતના અલથાણ વિસ્તારમાં દોઢ મહિના પહેલા એક સોસાયટીમાં બાળકને કૂતરો કરડવા મામલે બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે તે સમયે બંને પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. દોઢ મહિના બાદ પણ આ વિવાદ શાંત નથી પડ્યો. જે બાળકને કૂતરો કરડ્યો હતો તે બાળકના માતાપિતા સામે પણ કૂતરાના માલિકોએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બાળકના માતાપિતાએ હવે હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરી છે કે, કૂતરાના માલિક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય તેમ હોવા છતા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. પરિવારની અરજી બાદ હાઈકોર્ટે અલથાણ પોલીસ સ્ટેશનના ASIને હાજર થવા નોટિસ પાઠવી છે.
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બેન્ક કર્મચારી છે. તેઓ પોતાના પુત્ર આવીક જોષી સાથે 2 ઓક્ટોબરના રોજ પોતાની સોસાયટીની લિફ્ટમાં હતા અને જ્યારે લિફ્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ પાડોશીના પાલતુ શ્વાને તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. લિફ્ટમાંથી બહાર નીકળવાની સાથે જ અચાનક સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના પાલતુ શ્વાને તેમના પુત્ર પર હુમલો કરી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકની માતા ખુશ્બુ શર્માએ આ અંગે સુરત વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વેસુ પોલીસે શ્વાનના માલિક આશિષ દુબે,પ્રશાંત ત્રિપાઠી સામે ગુનો નોંધ્યો હતો.