રાજકોટ શહેર પૂર્વમાં આવેલા રેલનગર વિસ્તારમાં સરવૈયા ચોકમાં રેવન્યુ સરવે નંબર 609 પૈકી ટી.પી.સ્કીમ નંબર 23 ના એફ.પી.નંબર 34/2 પર આવેલ 1500 ચોરસ મીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે રીતે કોમર્સિયલ બાંધકામો ખડકી દેવાયાની હકીકત ધ્યાનમાં આવતા પૂર્વ મામલતદારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરીને બિનઅધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધા હતા. આ સરકારી જમીનની અંદાજે બજાર કિંમત રૂ.7.50 કરોડ થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ પૂર્વ મામલતદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, રેલનગર વિસ્તારમાં સરવૈયા ચોકમાં રેવન્યુ સરવે નં.609ની સરકારી જમીનમાં ખેતલા આપા ટી સ્ટોલ, ખેતલા આપા પાન સેન્ટર તથા બાલાજી સિઝન સ્ટોરના નામે ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયાની હકીકત ધ્યાનમાં આવી હતી. આથી તલાટી મંત્રી ધારાબેન વ્યાસ અને સર્કલ ઓફિસર સત્યમ શેરસિયા દ્વારા ગત તા.16મીએ ગેરકાયદે બાંધકામો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં દબાણકારોએ બાંધકામ દૂર ન કરતા 26મીએ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દઇ તોડી પાડવામાં આવ્યું હતું.