ક્યાંક ફરવા જવું અથવા ખાવું કે કંઈક મગાવવું હોય તો આપણે ઘરેબેઠા મોબાઈલ પર આંગળીઓ વડે ઓર્ડર કરીએ છીએ અને થોડીવારમાં જ ડિલિવરીબોય સામાન સાથે દરવાજા પર હાજર થાય છે. આખરે કોણ છે આ લોકો? આ ગિગ અર્થતંત્રના સૌથી મોટાં પાત્રો છે. આ એ જ પ્લેટફોર્મ છે જે ફટાફટ રોજગાર પ્રદાન કરવામાં મોખરે છે. નીતિ આયોગના અહેવાલ મુજબ 2020-21 સુધી 77 લાખ લોકો ગિગ ઈકોનોમી સાથે જોડાયેલા હતા જે 2029-30 સુધીમાં વધીને 2.35 કરોડને પાર જશે. ગિગ ઈકોનોમીનો અર્થ ઉબેર, ઓલા, સ્વિગી અને ઝોમેટો વગેરે જેવી કામચલાઉ નોકરી. તેમની સરેરાશ માસિક કમાણી 11 હજાર અથવા તેનાથી ઓછી છે, પરંતુ આ માટે તેઓએ પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે.
ગિગનો અર્થ શું છે? ગિગ ઈકોનોમી શું છે? ગિગનો અર્થ એવી નોકરી કે જે ટૂંકા ગાળા માટે હોય છે. તે એવી અર્થવ્યવસ્થા સાથે સંબંધિત છે જેમાં કંપની અને કર્મચારી વચ્ચે કોઈ ચોક્કસ કરાર નથી. તેની શરૂઆત દેશમાં ઓનલાઈન માર્કેટપ્લેસ કંપની એરબીએનબી દ્વારા કરવામાં આવી હતી.
ગિગ ઈકોનોમીના ફાયદા/ગેરફાયદા શું છે? એક વ્યક્તિ એક સાથે અનેક કંપનીઓ માટે કામ કરી શકે છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી પસંદગીની નોકરી બદલી શકો છો. કામનો સમય જાતે નક્કી કરી શકો છો. આ એક ફાયદાકારક બાબત છે. નુકસાન એ છે કે તેમને પ્રોવિડન્ટ ફંડ, હેલ્થ ઈન્સ્યોરન્સ જેવી સુવિધા નથી મળતી. બીમારી કે રજા પર પગાર કપાય છે. નોકરીની કોઈ ગેરંટી નથી. આવક નિશ્ચિત નથી. તેમાં કરિયરમાં કોઈ ગ્રોથ નથી. ઘણા પ્રકારના ગિગવર્કર લેબર કોડના દાયરામાં આવતા નથી. તેમને નિવૃત્તિ યોજના જેવા લાભો મળતા નથી. કાર્યસ્થળ પર જાતીય સતામણીના કેસોમાં પણ કોઈ નક્કર નિયમો નથી.