ભારતમાં સોનાનાં ઘરેણાં અને લગડીનો ક્રેઝ જે ઝડપે વધી રહ્યો છે તે ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન (આઈબીઈએફ)ના રિપોર્ટ પરથી સમજી શકાય છે. તે દર્શાવે છે કે નાણાવર્ષ 2022-23માં દેશમાં 15.1 ટન સોનાનું ઉત્પાદન થયું હતું, જ્યારે તે જ સમયગાળા દરમિયાન તેની માગ 747 ટન એટલે કે ઉત્પાદન કરતાં 50 ગણી વધુ રહી હતી. જ્યારે ચીનમાં સોનાની માગ 909 ટન રહી હતી, જે તેના કુલ ઉત્પાદન કરતાં માત્ર અઢી ગણી વધારે છે. મોટી વાત એ છે કે ભારતની 140 કરોડ વસ્તીને ધ્યાનમાં લેતાં માથાદીઠ સોનાની માગ માત્ર 0.52 ગ્રામ રહી હતી. ગોલ્ડ બુલિયન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રિક કાંડાએ જણાવ્યું હતું કે વિશ્વમાં સોનાના ખનન માટે આ ખૂબ જ સારો સમય છે. અન્ય ધાતુઓની તુલનામાં સોનાનું ખનન પર્યાવરણીય ધોરણોને વધુ અનુરૂપ છે.
સોનાના સ્ટોકની બાબતમાં ભારત વિશ્વમાં 8મા ક્રમે છે. 30 સપ્ટેમ્બર સુધીમાં આરબીઆઈ પાસે 840.76 ટન સોનું હતું. અમેરિકા પાસે 8,133 ટન છે. જર્મનીમાં 3,351 ટન, ઈટાલીમાં 2,451 ટન, ફ્રાન્સમાં 2,436 ટન સોનું છે.