વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7થી 11 જૂન દરમિયાન રમાશે. BCCIએ મંગળવારે આ મેચ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. આમાં મુંબઈના બેટર અજિંક્ય રહાણેનું નામ પણ સામેલ છે. રહાણેને લગભગ 15 મહિના પછી ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે.
રોહિત શર્મા અને શુભમન ગિલ WTC ફાઈનલમાં ઓપનિંગ કરી શકે છે. રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ કરશે. તેને ઇંગ્લેન્ડમાં રમવાનો અનુભવ છે. 2021-22માં ઇંગ્લેન્ડ ટૂરમાં રોહિતે 4 ટેસ્ટમાં 52.57ની એવરેજથી 368 રન બનાવ્યા હતા. ઉપરાંત, રોહિતે WTC-23 સીઝનમાં 700થી વધુ રન બનાવ્યા છે.
શુભમન ગિલે ઓપનિંગ સ્પોટ પર કબજો જમાવ્યો છે અને કેએલ રાહુલને ટક્કર આપી છે. તેની ટેસ્ટ કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, ગિલે 15 મેચમાં 2 સદી સાથે 890 રન બનાવ્યા છે. ગિલને ઇંગ્લેન્ડમાં ઓછો અનુભવ છે. તેણે 2 ટેસ્ટમાં 57 રન બનાવ્યા છે. રોહિત અને ગિલ 2021ની WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પણ ઓપનિંગ કર્યું હતું.
ચેતેશ્વર પૂજારા નંબર 3 પર જોવા મળશે. ચેતેશ્વર પૂજારાને ઇંગ્લેન્ડમાં રમવાનો સૌથી વધુ અનુભવ છે. તે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવાનું ચાલુ રાખે છે. આ કારણે ફાઈનલમાં સૌથી વધુ જવાબદારી તેના પર રહેશે. આ સીઝનમાં પૂજારાએ 16 મેચમાં 887 રન બનાવ્યા છે. પુજારાએ ઇંગ્લેન્ડમાં 15 ટેસ્ટમાં 829 રન બનાવ્યા છે.
ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી પર પણ જવાબદારી રહેશે. કોહલી એક મોટી મેચનો ખેલાડી છે અને હવે તે ફોર્મમાં પાછો ફર્યો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે BGTમાં ટેસ્ટમાં સદીનો દુષ્કાળ પણ ખતમ કર્યો હતો. સાથે જ ઓસ્ટ્રેલિયા સામે કોહલીનું પ્રદર્શન હંમેશા સારું રહ્યું છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 24 ટેસ્ટમાં 8 સદી ફટકારી છે.