ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 18મો દિવસ છે. ઇઝરાયલની સેનાએ ગાઝામાં કેટલીક પત્રિકાઓ છોડી છે. તેના પર લખવામાં આવ્યું છે કે હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકો વિશે સંકેત આપનારને ઈનામ આપવામાં આવશે. સમાચાર એજન્સી AFP દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પત્રિકાઓ પર અરબી ભાષામાં લખેલું છે- જો તમે તમારું અને તમારા બાળકોનું સારું ભવિષ્ય ઈચ્છતા હોવ તો અમને બંધક લોકો વિશે માહિતી આપો.
પત્રિકાઓમાં આગળ લખવામાં આવ્યું છે- ઇઝરાયલની સેના તમારી સુરક્ષા અને ઈનામનું વચન આપે છે. ફોન નંબરની સાથે તેમાં ટેલિગ્રામ, વોટ્સએપ અને સિગ્નલ મેસેજ સર્વિસના આઈડી પણ આપવામાં આવ્યા છે.
હમાસની કેદમાંથી મુક્ત થયેલી 85 વર્ષની મહિલાએ જણાવ્યું કે આતંકીઓએ પહેલા દિવસે તેને માર માર્યો અને પછી તેની સારવાર કરાવી. તેણે જણાવ્યું કે ઇઝરાયલથી બંધક બનાવવામાં આવેલા લોકોને ગાઝાની નીચે સુરંગોના નેટવર્કમાં છુપાવીને રાખવામાં આવ્યા છે.
તો, ઇઝરાયલ પહોંચેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે 'હમાસને હરાવવા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની જરૂર છે. જે દેશો ISIS સામે લડી રહ્યા છે તેમણે હમાસ સામે પણ લડવું જોઈએ. તેમણે કહ્યું- આતંકવાદ સામેની લડાઈ માત્ર ઇઝરાયલ માટે જ નહીં પરંતુ આપણા બધાના અસ્તિત્વ માટે જરૂરી છે.'