દેશની સ્થાનિક જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં નાણાવર્ષ 2025 દરમિયાન પણ ગ્રોથ મોમેન્ટમ જળવાયેલું રહેશે. મૂલ્યની દૃષ્ટિએ વપરાશ 14-18%ની વચ્ચે રહેવાની સંભાવના ઇકરા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, સામાન્ય બજેટ 2024માં જાહેર કરાયેલી કસ્ટમ ડ્યૂટીની એક વખતની અસરને પગલે માર્જિનમાં કેટલીક વધઘટ જોવા મળી શકે છે.
નાણાવર્ષ 2024માં પણ 18%નો નોંધપાત્ર ગ્રોથ નોંધાયો હતો, જેનું કારણ સોનાની કિંમતમાં વધારો હતો. જુલાઇ 2024માં સોના પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 900 બેસિસ પોઇન્ટના ઘટાડાથી થોડાક સમય માટે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જેને કારણે ત્યારે ખરીદીમાં મોમેન્ટમ જોવા મળ્યું હતું. ICRA અનુસાર નાણાવર્ષ 2025ના બીજા છ મહિના દરમિયાન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો, તહેવારો અને લગ્નની સીઝનની માંગ, તહેવારોના વધુ દિવસો તેમજ સારા ચોમાસાને કારણે સાનુકૂળ ગ્રામીણ ઉત્પાદન જેવા સકારાત્મક પરિબળોને કારણે સોનાની માંગમાં ગ્રોથનું મોમેન્ટમ જળવાયેલું રહેશે. સોનાના ભાવમાં વૃદ્ધિમાં ટકાઉપણાને કારણે રેવેન્યૂ ગ્રોથ પણ શક્ય બનશે, જેમાં ચાલુ નાણાવર્ષ દરમિયાન સરેરાશ 25%નો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ નાણાવર્ષ 2025માં જ્વેલર્સ પણ પોતાના રિટેલ નેટવર્કમાં 16-18% સુધીનું વિસ્તરણ કરશે. મોટા ભાગના ઝવેરીઓ ટિયર 2 અને ટિયર 3 શહેરો જેવા નવા માર્કેટમાં પ્રવેશ માટે ફ્રેન્ચાઇઝી મોડલ અપનાવી રહ્યાં છે.