શહેરના જામનગર રોડ પર આવેલી યુનિકેર હોસ્પિટલમાં ડો.દોશીએ જૂનાગઢની યુવતીના ડાબા પગમાં ગાંઠ હતી અને ભૂલમાં જમણાં પગમાં સર્જરી કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી અને ખાનગી પેઢીમાં નોકરી કરતી સપના મહેશભાઇ પટોડિયા (ઉ.વ.20)એ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડો.જીગીશ દોશીનું નામ આપ્યું હતું.
સપના પટોડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલાં જૂનાગઢમાં ગણેશ વિસર્જન વખતે ટ્રક પલટી ખાઇ જતાં તેને ડાબા પગમાં સામાન્ય ઇજા થઇ હતી. જેથી તે વખતે કોઇ સારવાર કરી નહોતી, બાદ ધીમે ધીમે સપનાને ડાબા પગે ગોઠણથી નીચે દુખાવો શરૂ થયો હતો. યુવતીએ જૂનાગઢમાં ડો.નિકુંજ ઠુંમર પાસે નિદાન કરાવતાં સપનાને ડાબા પગમાં લોહીની ગાંઠ થયાનું સાબિત થયું હતું અને આ માટે વાસ્ક્યુલર સર્જનને બતાવવાનું ડો.ઠુંમરે કહ્યું હતું.
યુવતીએ સર્ચ કરતાં રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ પર વાસ્ક્યુલર સર્જન દ્વારા ઓપરેશન કરી આપવામાં આવે છે તેની જાણ થતાં સપના તેના ફઇ સાથે તા.3 એપ્રિલના રાજકોટ યુનિકેર હોસ્પિટલે આવી હતી અને ડો.જીગીશ દોશીએ પાંચ દિવસની દવા આપી હતી. તા.10 એપ્રિલના સપના ફરીથી હોસ્પિટલે આવી હતી અને દવાથી દુખાવામાં કોઇ રાહત નહીં હોવાનું કહેતા ડો.દોશીએ ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું હતું.