શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા ગવરીદળમાં શનિવારે રાત્રે મારવાડી કોલેજમાં અભ્યાસ કરતાં આફ્રિકન વિદ્યાર્થી અને સ્થાનિક ગ્રામજન વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો.
મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો અને રતનપરમાં રહેતો આફ્રિકાના લાઇબિરિયાનો વતની જેફરસન શનિવારે રાત્રે તેની બે બહેનોને બાઇકમાં બેસાડી ગવરીદળ ગામ મુખ્ય બજારમાં મેડિકલ સ્ટોરે દવા લેવા ગયો હતો. દવા લઇને જેફરસન બાઇક પર પરત જઇ રહ્યો હતો ત્યારે સામેથી ગવરીદળનો રવિ કાર લઇને આવ્યો હતો અને બંનેના વાહનો સામસામે આવી ગયા હતા. દરમિયાન જેફરસનનું બાઇક બંધ થઇ જતાં બાઇક સાઇડમાં લેવામાં થોડો સમય વિતતા રવિ ઉશ્કેરાયો હતો અને તેણે કારમાંથી ઉતરી માથાકૂટ કરી જેફરસનને છાતીના ભાગે લાકડી ફટકારી દીધી હતી.