વેકેશન મૂડ વચ્ચે કેલેન્ડરવર્ષ 2024ના અંતિમ અને સપ્તાહના પ્રથમ દિવસે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મેટલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી સાથે ઓટો, ઇન્ડસ્ટ્રીયલ અને કોમોડિટીઝ શેરોમાં વેચવાલી રહેતાં ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) વર્ષ પૂરૂ થવાના દિવસોમાં પણ શેરોમાં મોટી વેચવાલી કરતાં ઘણા ઈન્વેસ્ટરો સાવચેતીમાં મોટી ખરીદીથી દૂર રહ્યા હતા. જેના પરિણામે આજે પણ એફપીઆઈઝની વેચવાલી રહેતાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ગત સપ્તાહનો ઉછાળો આજે ધોવાયો હતો અને ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણ ચાલુ રહ્યું હતું તથા રૂપિયો નવા નીચા તળિયે નોંધાતા દેશમાં આયાત થતી સોના - ચાંદી, ક્રૂડતેલ સહિતની વિવિધ ખાદ્ય ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધી જવાની ગણતરી વચ્ચે હવે દેશમાં મોંઘવારી તથા ફુગાવો વધુ ઉંચા જતા જોવા મળશે એવી ભીતિ જોવા મળી હતી. સાથે સાથે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ જોવાઈ હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.13% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.47% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ટેલેકોમ્યુંનીકેશન, ફોકસ્ડ આઈટી, એફએમસીજી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4267 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2626 અને વધનારની સંખ્યા 1492 રહી હતી, 149 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 396 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 313 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.