ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (એચએમપીવી)ના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ત્રણ રાજ્યમાં આ વાઇરસના 5 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. જો કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. જોકે સુરતના ડોક્ટરોેએ સ્પષ્ટતા કરી છે કે એચએમપીવી કોઈ નવી બીમારી નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઈરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે.
છેલ્લા આઠ મહિનામાં આના 15 કેસ આવ્યા અને બધા સાજા પણ થઈ ગયા છે. 1લી જાન્યુઆરી 2025એ 10 મહિનાની એક બાળકીમાં આ વાયરસની પુષ્ટી થઈ હતી.ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકી જન્મથી અશક્ત હતી અને સમયાંતરે સારવાર માટે હોસ્પિટલ આવતી હતી. ડોક્ટરોએ તેની સ્થિતીને જોઈ રેસ્પિરેટરી પેનલ ટેસ્ટ કરાવ્યો, જેમાં એચએમપીવી વાયરસ પોઝિટિવ જોવા મળ્યો.
આ ઉપરાંત 13 સપ્ટેમ્બર 2024 ના રોજ 10 મહિનાના બાળકમાં પણ આ વાયરસ મળ્યો હતો. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બેંગલુરુમાં ત્રણ મહિનાની બાળકી અને આઠ મહિનાનું બાળ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બંનેને બ્રોંકો ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાળકીને રજા આપી દેવાઈ છે. બાળક પણ ઠીક છે. અમદાવાદના ચાંદખેડાની ઑરેન્જ નિઓનેટલ એન્ડ પિડિયાટ્રીક હૉસ્પિટલમાં બે મહિનાના બાળકનો એચએમપીવી ટેસ્ટ પૉઝિટવ આવ્યો હતો. જો કે હૉસ્પિટલ દ્વારા 10 દિવસ સુધી તંત્રને જાણ કરાઈ નહોતી. રાજસ્થાનના ડુંગરપુરના પરિવારના બાળકને 24 ડિસેમ્બરે લાવવામાં આવ્યું હતું. 26 ડિસેમ્બરે એચએમપીવીની પુષ્ટિ થઈ.