સુરતમાં શ્વાન પાછળ દોડતા ગભરાઈ ગયા બાદ ગુમ થયેલી બાળકી મળી આવ્યા બાદ પોલીસે 16 કલાકના અંતે તેનો પરિવાર શોધી મિલન કરાવ્યું હતું. બાળકીને આજે જન્મદિવસ હોવાની જાણ થતા પોલીસકર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ ઉજવણી કરવામાં આવી હતી.
શ્વાન પાછળ દોડ્યા બાદ બાળકી ભૂલી પડી ગઈ હતી કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી રસ્તા પર આવી ગઈ હતી અને તેની પાછળ શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડેલી રિક્ષામાં બેસી ગઈ હતી. રિક્ષામાં સવાર લોકો આ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસની સી ટીમ દ્વારા આ બાળકીની સંભાળ રાખવામાં આવી હતી અને આ સાથે જ તેના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આખી રાત સહિત સોળ કલાકની જહેમત બાદ બાળકીના પિતા સુધી પહોંચ્યા હતા. પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે આ બાળકીનો જન્મદિવસ છે. જેથી સી ટીમ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી ઓસુરા દ્વારા પોલીસ સ્ટેશનમાં જ આ બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકીને પિતાને સોંપવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં અરવિંદભાઈ પરિવાર સાથે રહે છે. તેની સાત વર્ષની દીકરી ગતરોજ રાત્રે 11 વાગ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. પરિવાર શોધ કોણે કરી રહ્યો હતો જોકે બાળકીનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમિયાન બાળકી ગુમ થયાના 16 કલાક બાદ કાપોદ્રા પોલીસ અરવિંદભાઈ સુધી પહોંચી હતી અને તેની બાળકી મળી ગઈ હોવા અંગેની જાણકારી આપી હતી. દીકરી મળી જતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.