શનિવારે, ભારતીય શૂટરોએ કઝાકિસ્તાનના શ્યામકેન્ટ શહેરમાં યોજાઈ રહેલી 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિનિયર અને જુનિયર 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઈલાવેનિલ વાલારિવન અને અર્જુનની જોડીએ સિનિયર 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટમાં ચીની જોડી પેંગ ઝિન્લુ અને લુ ડિંગકેને 13-11થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ક્વોલિફિકેશન રાઉન્ડમાં 27 ટીમોમાં તેમણે 634.0 પોઈન્ટ મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું. ઈલાવેનિલે 316.3 અને અર્જુને 317.7 પોઈન્ટ મેળવ્યા. ભારતની બીજી જોડી મેહુલી ઘોષ અને રુદ્રાક્ષ પાટીલે પણ 632.6 પોઈન્ટ મેળવીને બીજું સ્થાન મેળવ્યું. પરંતુ નિયમોના કારણે, મેહુલી અને રુદ્રાક્ષ ફાઇનલમાં રમી શક્યા નહીં.
જુનિયર 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં, નારાયણ પ્રણવ અને શામ્ભવી ક્ષીરસાગરે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ક્વોલિફિકેશનમાં 629.5 પોઈન્ટ મેળવ્યા અને ત્રીજા સ્થાને રહ્યા. ભારતની બીજી જોડી ઈશા ટકસાલે અને હિમાંશુ 628.6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યા અને ફાઇનલમાં સ્થાન મેળવી શક્યા નહીં.
ફાઇનલમાં, નારાયણ અને શામ્ભવીનો સામનો ચીની જોડી તાંગ હુઇકી અને હાન યિનાન સામે થયો હતો. બંને ટીમ પ્રથમ નવ સિરીઝમાં 9-9 થી બરાબરી પર હતી. આ પછી, ભારતીય જોડીએ સતત 10 થી વધુ પોઇન્ટ મેળવ્યા અને છ પોઇન્ટની લીડ મેળવી. ભારતે છેલ્લી સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.