ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે મેક્સિકોના અખાત(ગલ્ફ ઓફ મેક્સિકો)નું નામ બદલીને અમેરિકાના અખાત(ગલ્ફ ઓફ અમેરિકા) રાખ્યું છે. આ સિવાય અલાસ્કામાં સ્થિત માઉન્ટ ડેનાલીનું નામ પણ બદલીને માઉન્ટ મેકકેનલી કરવામાં આવ્યું છે. તેમના નામ બદલવાની જાહેરાત અગાઉ ટ્રમ્પ દ્વારા તેમના ચૂંટણી વચનમાં કરવામાં આવી હતી.
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે શપથ લીધા બાદ પહેલા જ દિવસમાં 538 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે અત્યારસુધીમાં 538 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 373ને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. લેવિટે કહ્યું કે તેઓ બધા ગુનેગાર છે. તેમના પર બળાત્કાર, હત્યા અને અપહરણનો આરોપ છે.
ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, લેવિટે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ ઓપરેશન ચલાવી રહ્યું છે. ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને લશ્કરી વિમાન દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા છે. જો કે તેમને ક્યાં મોકલવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી નથી.