શહેરમાં મોરબી રોડ પર ગવરીદળ ગામે રહેતા યુવકે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવમાં કુવાડવા પોલીસે તપાસ કરતાં ઇમિટેશનની મજૂરીકામ કરતાં યુવકને કેટલાક સમયથી કામ મળતું ન હોય આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગવરીદળ ગામે રહેતા ઉદય પ્રવીણભાઇ રાવલ (ઉ.21)એ પોતાના ઘેર પંખામાં લૂંગી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે તેના પિતા તેને બોલાવવા રૂમમાં જતા પુત્રને લટકતો જોઇ દેકારો કરતા પરિવારજનોએ રૂમમાં આવી યુવકને ઉતારી જાણ કરતાં 108ની ટીમના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે કુવાડવા પોલીસ મથકના એએસઆઇ કલ્પેશભાઇ ચાવડા સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક બે ભાઇમાં નાનો હોવાનું અને પિતા મજૂરીકામ કરે છે અને ઉદય ઇમિટેશનનું મજૂરીકામ કરતો હોય છેલ્લા કેટલાક સમયથી કામ બરોબર થતું ન હોય અને આર્થિક ભીંસ વધી જતા સતત ટેન્શનમાં રહેતો હોય અને આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા બનાવમાં રેલનગરમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશિપમાં રહેતો નીલ વિજયભાઇ જોગી (ઉ.19) તેના ઘર પાસેના આસ્થા ચોક પાસે ઇગલ કાર સર્વિસમાં નોકરી પર હતો ત્યારે નોઝલ દ્વારા કાર સર્વિસ કરતી વેળાએ વીજકરંટ લાગતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.