આગામી 14 ફેબ્રુઆરીથી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નો વડોદરાથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. WPLની પ્રથમ 6 મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં વડોદરાની વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટીયા મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમશે. જ્યારે બોલર રાધા યાદવ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી જોવા મળશે. આ બંને ક્રિકેટર ટીમ ઇન્ડિયામાં પણ રમે છે. વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાના માતા-પિતાએ વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, અમને અમારી દીકરી પર પ્રાઉડ ફીલ થાય છે. અમે કોટંબી સ્ટેડિયમમાં મેચ જોવા માટે જવાના છીએ. અમારી દીકરીને સપોર્ટ કરવા માટે વડોદરાવાસીઓ પણ મેચ જોવા જરૂરથી જજો.
મુંબઇ ઇન્ડિયન્સ ટીમની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાના પિતા હરીશ ભાટીયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી માત્ર આઠ વર્ષની હતી, ત્યારથી તેને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે યુથ સર્વિસ સેન્ટર ખાતે રમવા જતી હતી. તે ખૂબ જ મહેનત કરતી હતી અને તેનું સારું પરફોર્મન્સ હતું. જેથી બરોડા ક્રિકેટ એસોસિએશનની અન્ડર-19 ટીમમાં તેની પસંદગી થઈ હતી. જેમાં તેણે ખૂબ જ સારૂ પરફોર્મન્સ કરતા સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીની રમત જોઈને કોચ પૂર્ણિમા ગાયકવાડે કહ્યું હતું કે, તમારી દીકરી એક દિવસ જરૂર ઇન્ડિયન ટીમમાં રમશે. આ ઉપરાંત સિલેકટર ગીતા ગાયકવાડે પણ કહ્યું હતું કે, તમારી દીકરી એક દિવસ ચોક્કસથી ઇન્ડિયન ટીમમાં રમશે. ત્યાર બાદ તેને ક્રિકેટને ખૂબ જ સિરિયસલી લીધું હતું અને તે ખૂબ જ મહેનત કરવા લાગી હતી. 2021માં તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદ 2022માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મારી દીકરીએ એક સાથે ટી-20, વનડે અને ટેસ્ટ મેચમાં ડેબ્યું કર્યું હતું. ત્યારે અમને ખૂબ જ ખુશી થઈ હતી કે, તેને કરેલી મહેનતની તેને સફળતા મળી છે. કિરણ મોરે અને સંતોષ સરે પણ મારી દીકરીને રમતમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે.