રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે. રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તાપમાનનો પારો પ્રમાણમાં વધુ ઉંચો રહ્યો છે. વર્ષ 2024માં તારીખ 1થી 12 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું જ્યારે આ જ તારીખ દરમિયાન આ વર્ષે તાપમાનનો પારો ગયા વર્ષ કરતા 6 ડિગ્રી વધીને 42 ડિગ્રીને પાર થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હજુ આજનો દિવસ હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટીને 39 ડિગ્રી સુધી આવી જશે.
રાજકોટમાં બુધવારે 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતા 6.7 ડિગ્રી વધુ હોવાનું હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું છે. જ્યારે લઘુતમ તાપમાન બુધવારે 22.8 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા દર છ કલાકે આંકડા જાહેર કરવામાં આવે છે તેમાં બુધવારે રાજકોટનું તાપમાન સવારે 8.30 કલાકે 26.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે બપોરે 2.30 કલાકે 41.2 ડિગ્રી અને સાંજે 5.30 કલાકે 39.0 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટનું મહત્તમ તાપમાન બુધવારે 42.1 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાત ઉપર આવતા પવનોની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ તરફથી થઈ છે. જેને કારણે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતાઓ છે. હાલમાં ગુજરાત ઉપર સર્જાઇ રહેલી વાતાવરણની સ્થિતિ જોતા ગુજરાતવાસીઓને 24 થી 36 કલાક બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતાઓ છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે. જેથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.