Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉત્તર ગુજરાતમાં દિવસે ને દિવસે હિંસાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બોલાચાલી, માથાકૂટ કે ચોરીની ઘટના બાદ ધોળા દિવસે હત્યા થઈ હોવાની વિગત પાટણ જિલ્લાના હારીજમાંથી સામે આવી છે. હારીજ તાલુકા પંચાયત સામે સબરી શોપિંગ સેન્ટર પાસે યુવક પર હુમલો થયો હતો. એમાં બે શખસ છરી લઈને યુવક પર તૂટી પડ્યા હતા અને ગણતરીની સેંકન્ડોમાં તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાની આ ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ છે.

હારીજ તાલુકા પંચાયત સામે સબરી શોપિંગ સેન્ટર પાસે આજે હાર્દિક બાબરભાઈ દેસાઈ નામનો યુવક ચા પીતો હતો, ત્યારે અગાઉની અદાવતમાં નાગજી દેસાઈ અને અન્ના ઠાકોર નામના બે શખસ આવ્યા હતા. હાર્દિક કંઈ સમજે એ પહેલાં જ બંને શખસ છરી લઈને ફરી વળ્યા હતા. આ અંગે જાણ થતાં પાટણ જિલ્લા પોલીસવડા વિજય પટેલ, રાધનપુર ડી.વાય.એસ.પી. ડી.ડી.ચૌધરી સહિત એલસીબી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

થોડા સમય અગાઉ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો હતો. મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, જેને છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેના મામાનો છોકરો મળ્યો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો, જેને હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.