રાજકોટનાં શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજિત 50 હજારથી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે. હાલમાં કરવામાં આવેલ સિનિયર સિટિઝનને ફ્રી મુસાફરીની જાહેરાત અનુસાર દૈનિક અંદાજે 7 હજારથી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુધવારના રોજ 25 એસી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા આ 25 બસોને 10 રૂટ પર દોડતી કરવામાં આવી છે.
આ બસનો ઉમેરો થતા સિટી બસ તથા બીઆરટીએસ સેવા અંતર્ગત હાલમાં કુલ ટોટલ 224 બસ દ્વારા કુલ 79 રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં સિટી બસ સેવાના હયાત રૂટ તેમજ નવા રૂટ ચાલુ કરવા બાબતે રૂટ રેશનાલાઇઝેશન અંગેની કામગીરીમાં જર્મનીની એજન્સી GIZ સાથે ભારત સરકારના આવાસ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (BMZ) દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એર ક્વોલિટી, ‘ક્લાઇમેટ એક્શન અને એક્સેસિવિલીટી (SUM-ACA)’ સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટેનો ટેક્નિકલ સહયોગ વિનામૂલ્યે આપવામાં આવી રહેલ છે.