રાજકોટ મનપાના અત્યાર સુધીના ઇતિહાસમાં ટેક્સની રેકોર્ડબ્રેક 412.10 કરોડની આવક થઈ છે. ગતવર્ષની તુલનાએ રૂ. 46.88 કરોડ વધુ આવક નોંધાઈ છે. જેમાં પણ 50% જેટલી એટલે કે રૂ. 205 કરોડની વસૂલાત ઓનલાઈન થઈ છે. જ્યારે બાકીની રકમ ઓફલાઇન વસૂલ કરવામાં આવી છે. મનપાના વેરા વિભાગ દ્વારા આ માટે 1471 મિલકતો સીલ કરવામાં આવી હતી. અને 8,000 કરતા વધુ મિલકતોને જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. મિલકત વેરાની સાથે-સાથે પ્રોફેશનલ ટેક્સ અને થિયેટર ટેક્સની આવકમાં પણ વધારો નોંધાયો છે.
રાજકોટ મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, વેરા વસૂલાત શાખા દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સઘન કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને નાણાકીય વર્ષ 2024-25 માટે મિલકત વેરાના રૂ. 410 કરોડના લક્ષ્યાંક સામે ગઈકાલે પુરા થતા વર્ષે રાત્રે 12 વાગ્યા સુધીમાં કુલ રૂ. 412.10 કરોડની અત્યાર સુધીની ઓલટાઈમ હાઈ વસૂલાત કરી છે. વેરા વસૂલાત શાખાની આ કામગીરીના માધ્યમથી મનપાની રાજકોષીય નીતિને વધુ સુદ્રઢ કરવાની સાથે ગુજરાતની તમામ મનપામાં અગ્રિમ હરોળનું સ્થાન મેળવવા આગેકૂચ કરવામાં આવી છે.