દેશભરમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓની બદલી સામે વિરોધ અને કરારી કર્મીઓને કાયમી કરવા સહિતની માંગ મુદ્દે દેશભરના બેંક કર્મચારીઓ ફરી એક વખત હડતાલ નો માર્ગ અપનાવ્યો છે જેમાં આગામી શનિવારના રોજ એક દિવસની હડતાલ પાડવા નિર્ણય લેવાયો છે. જેમાં સૌરાષ્ટ્ર -કચ્છના 5500 સહિત દેશના 15000 કર્મચારીઓ જોડાશે અને હડતાળને સમર્થમ આપશે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીના જણાવ્યા મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોમાં દ્વિ પક્ષીય કરાર અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પયુટ એક્ટનો ખૂલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. બેંકોમાં અનફેર લેબર પ્રેક્ટીસમાં સતત વધારો થઇ રહ્યો છે. સેન્ટ્રલ બેંક દ્વારા સૌરાષ્ટ્રના 38 સહિત દેશભરમાં કામ કરતા 4325 બેંક કર્મીઓની એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી કરી છે. બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંકમાં સાઈનું કામ કરાર મારફ્ત કરાવવાનું બેંકે નક્કી કર્યું છે. આમ પટ્ટાવાળાને નાબુદ કરવા માંગે છે. એક શાખામાંથી બીજી શાખામાં મોટી સંખ્યામાં કેશ નાખવાનું કામ કરારી કર્મીઓ કરતા હોય છે જે જોખમી છે.
દેશભરના 2.75 લાખ કર્મીઓને કાયમી કરવામાં આવે. જેથી તા. 18 નવેમ્બરના રોજ એટલે કે આવતીકાલે સાંજે 5.30 વાગ્યે રાજકોટના જાહેર ક્ષેત્રની 12 બેંકના 2200 કર્મીઓ પોત-પોતાની બેંક બહાર પ્લે-કાર્ડ લઇ વિરોધ કરશે. જયારે 19મીએ રાજકોટ સહિત દેશભરની બેંકો બંધ રહેશે અને વિરોધ નોંધાવશે.