ઉનાળાની કાળઝાળ ગરમી ત્રાહિમામ્ પોકારાવી રહી છે ત્યારે શાકભાજીને પણ હીટવેવની અસર થઇ હોય તેમ તેના ભાવમાં ભડકો થઇ ગયો છે. રાજકોટના યાર્ડમાં શાકભાજીના હોલસેલના ભાવમાં એક દિવસમાં પ્રતિ મણ રૂ.100થી 400 વધ્યા છે. શાકભાજીના હોલસેલમાં ભાવ રીટેલ જેવા થઇ જતાં ગૃહિણીઓના બજેટ વેરવિખેર થઇ ગયા છે.
રાજકોટ યાર્ડમાં છેલ્લા 24 કલાકમાં શાકભાજીના ભાવમાં ખૂબ જ ઝડપી વધારો થયો છે. યાર્ડમાંથી મળતી માહિતી અનુસાર પ્રતિ મણ લીંબુના ભાવમાં રૂ.150, કોથમીરના ભાવમાં રૂ.200, સૂરણના ભાવમાં રૂ.400, શકરિયાના ભાવમાં રૂ.300, આદુના ભાવમાં રૂ.200, ફ્લાવરના ભાવમાં રૂ.120, ભીંડાના ભાવમાં રૂ.150, ગુવાર અને ચોળાશિંગના ભાવમાં રૂ.400-400, ટીંડોરાના ભાવમાં રૂ.100, તૂરિયાના ભાવમાં રૂ.150, પરવરના ભાવમાં રૂ.100, વટાણાના ભાવમાં રૂ.100, વાલના ભાવમાં રૂ.100, ગલકાના ભાવમાં રૂ.150 અને મરચાં લીલાના ભાવમાં રૂ.100નો વધારો થયો છે.
કારેલા, દૂધી, મેથી, રીંગણાના ભાવ સસ્તા થયા | યાર્ડના સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રતિ મણ કારેલાના ભાવમાં રૂ.150, મેથીના ભાવમાં રૂ.100, દૂધીના ભાવમાં રૂ.60 અને રીંગણાના ભાવમાં રૂ.50નો ઘટાડો થયો છે. આ ઉપરાંત ડુંગળી સૂકીના ભાવમાં નજીવો ઘટાડો થયો છે.