24 સપ્ટેમ્બર, 2007નો દિવસ હતો. સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગનું મેદાન હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌપ્રથમ T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.
આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં કોઈએ વિચાર્યું નહોતું કે આ ફોર્મેટને કારણે આગામી દાયકામાં ભારત વર્લ્ડ ક્રિકેટનું પાવરહાઉસ બની જશે. આના વિશે તો BCCIને પણ અંદાજે નહોતો કે તેઓ ક્રિકેટ જગતના પાવરફુલ બની જશે!
તમને જાણીને નવાઈ લાગશે કે BCCI આ ફોર્મેટને લઈને બહુ ઉત્સાહિત નહોતું. એ સમયે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓએ પણ આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ દિગ્ગજ અન્ય કોઈ નહીં, પરંતુ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ હતા.
ધોની એન્ડ કંપનીની ઐતિહાસિક જીતે ભારત માટે બધું બદલી નાખ્યું. આજે આપણે જાણીશું કે કેવી રીતે BCCI, જેણે એક સમયે T20થી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો, તે આ ફોર્મેટના કારણે ક્રિકેટમાં આજે BCCI સૌથી પાવરફુલ બોર્ડ બની ગયું છે.