રાજકોટ જિલ્લાના વેરાવળ (ભડલી) ગામની આલેસીયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ આરોપી જયંતી રાયસંગ વનાળીયા (ઉ.વ.41) ની વાડીમાં આરોપીએ મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કર્યું છે તેવી માહિતી મળતા જસદણ પીઆઈ એલ.આર.ગોહિલના માર્ગદર્શનમાં વિંછીયા પોલીસના પીએસઆઈ અને તેમની ટીમે વાડીમાં દરોડો પાડતા કપાસના વાવેતર વચ્ચે આરોપી જયંતીએ ગાંજાના છોડ ઉગાડયા હોવાનું સામે આવ્યું હતું.
આરોપી જયંતી પોતે વાડીએ જ હાજર હોય તેની પુછપરછ કરતા કરી બાદમાં તેની પાસેથી રૂ. 26.28 લાખની કિંમતના 72 ગાંજાના લીલા છોડ, એક મોબાઈલ ફોન કબ્જે કરાયો હતો. અને વિંછીયા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઈ ટી.બી.જાનીને સોંપવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી જયંતીએ પોતાની વાડીમાં કપાસના વાવેતર વચ્ચે ગાંજાના છોડ વાવ્યા હતા. છોડની હાઈટ પરથી પોલીસે અંદાજ લગાવ્યો છે કે, આશરે બે મહિના પહેલા આ છોડનું વાવેતર થયું હતું. આ સાથે છુટક અને જથ્થામાં ગાંજો વેચતો હોવાની શંકા સેવાઈ રહી છે.