દેશનું અર્થતંત્ર સ્થાનિક વપરાશમાં વેગને કારણે નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં 6.7%નો વૃદ્ધિદર નોંધાવશે તેવું S&P ગ્લોબલ રેટિંગ્સના વરિષ્ઠ અર્થશાસ્ત્રી વિશ્રુત રાણાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિદર 6 ટકાની આસપાસ રહેશે, જે વર્ષ 2022-23 દરમિયાન 7.2% હતો. વેપારને લઇને કેટલાક પડકારો જોવા મળી રહ્યાં છે જેને કારણે ગતિવિધિ પર પ્રતિકૂળ અસર પડી રહી છે અને આ વર્ષે ગ્રોથને અસર કરવામાં આ એક પરિબળ પણ કારણભૂત રહેશે.
ગત નાણાકીય વર્ષના 7.2%ના આર્થિક વૃદ્ધિદર બાદ સ્લોડાઉન માટે જે પરિબળો જવાબદાર છે તેમાં પડકારજનક બાહ્ય માહોલ, માંગમાં ઘટાડો, ખાનગી વપરાશની પ્રવૃત્તિમાં ઘટાડો સામેલ છે. નાણાકીય નીતિને કારણે પણ ગ્રાહકોની માંગ પર અસર જોવા મળશે. નોંધનીય છે કે RBIએ ચાલુ નાણાકીય વર્ષે દેશના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 6.5% વ્યક્ત કર્યો છે. ફુગાવો હળવો થઇ રહ્યો છે ત્યારે RBI વ્યાજદરો ઘટાડવાની ઉતાવળ નહીં કરે. અપેક્ષા પ્રમાણે ફુગાવાનું સ્તર જોવા ન મળે ત્યાં સુધી એટલે કે RBI વર્ષ 2024ની શરૂઆત સુધી વ્યાજદરમાં ઘટાડા માટે પ્રતિક્ષા કરે તેવી શક્યતા છે.
ચાલુ નાણાકીય વર્ષે મે મહિના દરમિયાન રિટેલ ફુગાવો 4.25 ટકા સાથે 2 વર્ષના તળિયે નોંધાયો હતો. RBIને ફુગાવો 2 ટકાના માર્જિન સાથે 4 ટકાના સ્તરે રાખવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં S&Pએ 6 ટકાના આર્થિક વૃદ્ધિદર સાથે ભારત એશિયા પેસિફિક દેશોમાં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામતું અર્થતંત્ર બની રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું. નોંધનીય છે કે વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલા પડકારો અને મંદીની આશંકા વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા વધુ મજબૂત જોવા મળી રહી છે.