એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, બીજી તરફ રાજકોટ શહેરમાં ધોળા દિવસે મહિલાને માથાના ભાગે ઇજા પહોંચાડી લૂંટારૂએ લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પોશ વિસ્તાર સમા નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ પારસ સોસાયટીમાં વૈભવી બંગલામાં લૂંટની ઘટના બની છે. જેમાં લૂંટારૂ મહિલાની પાછળ પાછળ ઘરમાં ઘૂસ્યો હતો. બાદમાં મહિલાના માથામાં હથોડી મારતા લોહીલૂહાણ થતા ઢળી પડી હતી. બાદમાં લૂંટારૂએ મહિલાના હાથમાંથી બે સોનાની બે બંગડી લૂંટી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ, SOG સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી જઈ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના નિર્મલા રોડ પર આવેલ પારસ સોસાયટીમાં પારિજાત બંગલોમાં આજે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. જેમાં તાનિયાબેન વિવેકભાઈ બાલચંદાણી નામની મહિલા તેમના બાળકને લઈ પ્લેહાઉસથી પરત ઘરે આવી હતી. ત્યારે રસોડામાં પ્રવેશ કરતાની સાથે જ લીલા કલરનો શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલ એક હિન્દી ભાષા બોલતો શખ્સ તેમની પાછળ ઘરમાં ઘૂસી ગયો હતો. બાદમાં તાનિયાબેનના માથાના ભાગે હથોડી વડે હુમલો કર્યો હતો. તાનિયાબેને હાથમાં પહેરેલી સોનાની બે બંગડી કાઢી લીધી હતી.
માથાના ભાગે ઈજા પહોંચતા મહિલા નીચે પટકાઈ હતી અને બાળક ગભરાઈ ગયું હતું. માટે લુટારૂએ ‘તેરે પાસ જો ભી હૈ વો ઔર તિજોરી કી ચાબી દે દે’ તેવું હિન્દીમાં કહ્યું હતું. જો કે મારી પાસે કશું નથી કહી તાનિયાબેને બૂમાબુમ કરતા લૂંટારૂ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને બાદમાં મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવની જાણ થતાની સાથે જ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ તો પોલીસે પણ મહિલા તેમજ તેના પતિનું નિવેદન નોંધી ફરિયાદ લેવા તજવીજ શરૂ કરી છે. સાથે જ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ પણ ચેક કરવા તજવીજ હાથ ધરી છે. ત્યારે ધોળા દિવસે પોશ વિસ્તારમાં લૂંટની ઘટના બનતા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જરૂરથી સવાલો ઉભા થઇ રહ્યા છે.