રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનીબા વાળા ફરી એક વિવાદમાં સપડાયા છે. ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામના વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર 15 દિવસ પહેલા તેજલ નામની યુવતી તેમના ઘર પાસે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મારી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી. તમે મારુ 7-8 લાખનું દેણું ભરી દો, તમે કહો એમ કરવા તૈયાર છું અને સંબંધ બાંધવા પણ તૈયાર છું. આવું કહીને તે યુવતીએ વિડીયો કોલમાં ટીશર્ટ કાઢી નાખ્યું હતું અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો. બીજા દિવસે ફરિયાદીને ફોન આવેલો કે તેજલ વિશે વાત કરવી છે રાજકોટ ઓફિસ આવો. બાદમાં બે યુવાનો તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિનીબા આવ્યા છે તેમને તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે, તો બેઠક ગોઠવો. ફરિયાદીના જણાવ્યાં અનુસાર પદ્મિનીબા વાળા, તેજલ નામની યુવતી, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય બે એમ 5 લોકો તેમના ઘરમાં જબરદસ્તી કરીને ઘુસી ગયા હતા.