લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ IPL 2025 પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે 6 વિકેટે હાર મળી હતી. પેટ કમિન્સની ટીમે 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો.
એકાના સ્ટેડિયમમાં હૈદરાબાદે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. ઓપનર મિચેલ માર્શ (65) અને એડન માર્કરમ (61)એ અડધી સદી ફટકારી. નિકોલસ પૂરને 45 રન બનાવ્યા હતા. SRHના ઈશાન મલિંગાએ 2 વિકેટ લીધી.
જવાબમાં હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 59, હેનરિક ક્લાસેને 47 અને ઇશાન કિશને 35 રન બનાવ્યા. LSGના દિગ્વેશ રાઠીએ બે વિકેટ લીધી.
લખનઉની ટીમ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ 12માંથી 7 મેચ હારી ગઈ છે. હવે ટીમ ફક્ત 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતા નથી.
પ્લેઑફની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી હૈદરાબાદ આ સિઝનમાં ફક્ત ચોથી મેચ જીતી શકી છે, એક મેચ અનિર્ણિત રહી હતી. આવી સ્થિતિમાં, ટીમ પાસે હવે ફક્ત 9 પોઈન્ટ છે.