વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી બંધ રહ્યા હતા. અમેરિકાની વેપાર ખાધમાં વૃદ્ધિની સાથે ફુગાવો વધવાની શક્યતા સામે એશિયાની ઈકોનોમી મજબૂત ગ્રોથ સાથે આગળ વધી રહી હોવાનો અહેવાલો સાથે ભારતીય અર્થતંત્ર પણ મજબુત હોવાના અહેવાલોએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
અમેરિકા પર તોળાઈ રહેલું દેવાંના સંકટના કારણે યુએસ યીલ્ડમાં વૃદ્ધિ અને ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે પરિણામે આઈટી અને ટેક્નોલોજી સેક્ટરમાં કમાણી વધવાના અંદાજ સાથે ઈન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા અને ટીસીએસ લિ. ના શેર્સમાં અંદાજીત 2% થી 1%નો ઉછાળો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો જુલાઈ માસમાં પણ ઉત્પાદનમાં વૃદ્ધી ચાલુ રાખશે એવા નિર્દેશો વહેતા થતાં ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.