જિયો પોલિટીકલ ઇશ્યુના કારણે ચીન સાથે મોટાભાગના દેશોએ વેપાર ઘટાડવા લાગ્યા છે. જેનો સીધો ફાયદો ભારતને મળી રહ્યો છે. ચીનના પ્રોપર્ટી માર્કેટમાં સતત ઘટાડાનો ફાયદો ભારતને મળવા જઈ રહ્યો છે. સિંગાપોરની કેપિટાલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ (CLI) જેવી વૈશ્વિક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ ભારત અને વિયેતનામ જેવા દેશોમાં રોકાણની શક્યતાઓ શોધી રહી છે.
સીએલઆઇના લગભગ ત્રીજા ભાગનું રોકાણ ચીનમાં છે. વાસ્તવમાં, ચીનની સરકાર અનુસાર નવા મકાનોની કિંમતો છેલ્લા સાત વર્ષમાં સૌથી ઝડપી દરે ઘટી છે. ચીનમાં પ્રોપર્ટીના વેચાણમાં પણ ઓક્ટોબરમાં સતત 15મા મહિને ઘટાડો થયો હતો. આ જ કારણ છે કે ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, આ વર્ષના ઓક્ટોબર સુધીમાં ચીનમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં રોકાણમાં 8.8%નો ઘટાડો થયો છે.
દરમિયાન, કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં 22.3% અને કોમર્શિયલ ઈમારતોના વેચાણમાંથી થતી આવકમાં 26.1%નો ઘટાડો થયો છે. અહીં ભારતીય પ્રોપર્ટી માર્કેટના તાજેતરના આંકડા ચીનથી વિપરીત ચિત્ર રજૂ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં પ્રોપર્ટી પ્રાઇસ ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. રિઝર્વ બેંકનો HPI જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 3.5% વધ્યો હતો.
માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં તેમાં 1.8% નો વધારો પણ જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા વધુ સારા હશે. દેશના રિયલ એસ્ટેટ માર્કેટમાં કોરોના મહામારી બાદ ઝડપી તેજી જોવા મળી છે. ખાસકરીને હાઉસિંગ સેગમેન્ટમાં બમણો ગ્રોથ નોંધાયો છે.