Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં સવારથી મેઘરાજા વરસી પડ્યા છે. તેમાં પણ જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને નવસારીના કેટલાક તાલુકાઓમાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. બુધવારે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં કુલ 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ચાર ઇંચ વરસાદમાં હવાઈ સેવા, પરિવહન સેવા, વીજળી વિતરણ વ્યવસ્થા જાણે હવાઈ ગઈ હોય તેમ ભાંગી પડી હતી.

બુધવારે સવારથી જ કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને બપોરે રાજકોટમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતાં આખું શહેર જાણે થંભી ગયું હતું. ભારે વરસાદને કારણે હવાઈ સેવા, પરિવહન સેવા અને વીજળી પુરવઠો ખોરવાઈ ગયો, જેના લીધે સામાન્ય જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું. શહેરમાં મુખ્ય માર્ગો ઉપરાંત ચારેબાજુ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. કેટલાક વિસ્તારમાં જાણે તળાવ ભરાય ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિકજામ થયા હતા, પાણીમાં રિક્ષા-બાઈક-કાર અટવાઈ ગયાના દૃશ્ય જોવા મળ્યા હતા.

રાજકોટમાં આજે પણ ઓરેન્જ એલર્ટ, દરિયાકાંઠે રેડ એલર્ટ હવામાન વિભાગે 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં 22 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં રાજકોટમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.