હમાસની સાથે ઇઝરાયલનું યુદ્ધ જારી છે ત્યારે અમેરિકન ગુપ્તચર ઇનપુટના આધાર પર વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ઇરાન 24થી 48 કલાકની અંદર ઇઝરાયલ પર મોટા હુમલા કરી શકે છે. આ દાવા બાદ મિડલ ઇસ્ટ સહિત દુનિયામાં તંગદિલી વધી ગઇ છે. આ હુમલો સીરિયામાં ઇરાની વાણિજ્ય દૂતાવાસ પર ઇઝરાયલના હુમલાના જવાબમાં કરવામાં આવનાર છે.
ઇઝરાયલના આ હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર સહિત 13 લોકોનાં મોત થયાં હતાં.એ વખતે ઇરાને બદલો લેવાની વાત કરી હતી. ઇરાનના હુમલાની આશંકાને લઇને અમેરિકા હાઇ એલર્ટ પર છે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કને સાઉદી અરબ, તૂર્કિયે, ચીન અને યુરોપિયન દેશો પાસેથી મદદની માંગ કરી છે.
હુમલાને રોકવાની દિશામાં આગળ વધવા માટે અપીલ કરવામાં આવી છે. વિદેશ વિભાગના પ્રવકતા મેથ્યુ મિલરે કહ્યું છે કે એક ફોન કોલ દરમિયાન બ્લિન્કને ભારપૂર્વક કહ્યું છે કે વિદેશમંત્રી ઇરાનને સંઘર્ષની દિશામાં આગળ વધતા ઇરાનને મનાવવા માટેના પ્રયાસ હાથ ધરે. આ ઉપરાંત અમેરિકા રશિયા સહિત પાંચ દેશોએ પોતાના નાગરિકોને ઇઝરાયલ અને મિડલ ઇસ્ટની યાત્રા ન કરવા માટે સલાહ આપી છે. ઇઝરાયલમાં અમેરિકન દૂતાવાસના કર્મચારીઓને પણ તેલ અવીવ, જેરુસલેમ અને બેર્શેબાથી બહાર યાત્રા ન કરવા માટે કહેવામાં આવ્યું છે.