રાજ્યભરમાં શુક્રવારે પણ ગરમીનું જોર યથાવત રહ્યું હતું. રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી એક સપ્તાહમાં સૂકા વાતાવરણને કારણે તાપમાનમાં વધારો થશે.
સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. રાજકોટ સતત ત્રીજા દિવસે પણ 42 ડિગ્રીને પાર તાપમાન રહેવા પામતા લોકો અકળાયા હતા. શહેરમાં ગુરુવારે પણ 42.7 ડિગ્રી તાપમાન બાદ શુક્રવારે પણ 42.9 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી ગયું હતું. આ દરમિયાન આગામી 6થી 8 એપ્રિલ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવ યથાવત રહેશે. બપોરે 11 વાગ્યાથી જ શહેરનું તાપમાન વધી જતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું.