રાજકોટ શહેરમાં વધુ એક કરુણ અને હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસૂમ દીકરીને નાયલોનની દોરી વળે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
માતાએ દીકરીઓ સાથે આપઘાત કરી લેતાં ત્રણેયના મૃતદેહો મળ્યા પ્રાપ્ત વિગત મુજબ, શક્તિ સોસાયટીની શેરી નંબર 6માં રહેતાં 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે દીકરી 7 વર્ષની પ્રિયાંશી અને 5 વર્ષની હર્ષિતાની હત્યા નીપજાવી હતી. આ કૃત્ય કર્યા બાદ અસ્મિતાએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ત્રણેયના મૃતદેહો મળ્યા છે. એક પરિવારના ત્રણ સભ્યનાં કરુણ મોતને પગલે આસપાસના લોકોનાં ટોળાં એકઠા થઈ ગયાં હતાં અને શોકનું મોજું ફરી વળ્યું હતું.