રાજકોટમાં આજીડેમ ચોક નજીક ગત 30 નવેમ્બર ના રોજ જમનાબેન અમિતભાઇ વાઘેલા (ઉ.વ.40) નામના પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે ગઇકાલે મૃતક પરિણીતાના પિતા નાનજીભાઈ ઉકાભાઈ ચાવડાએ તેમની દીકરીને પતિ અને સાસુએ મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ આપતા આજીડેમ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી છે.
પતિ ભઠ્ઠીમાં પરાણે મજૂરી કરવતો
ફરિયાદી નાનજીભાઈએ જણાવ્યા મુજબ તેમને સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા છે. જમનાબેન બીજા નંબરના દીકરી હતા. જમનાબેનના લગ્ન રાજકોટની આજીડેમ ચોકડી પાસે લક્કીરાજ પાર્ટી પ્લોટ પાછળ શ્યામ કિરણ સોસાયટીમાં રહેતા કરશનભાઇ વાઘેલાના પુત્ર અમિત ઉર્ફે દશો વાઘેલા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન અમિત જમનાબેનને ત્રાસ આપતો તેને ભઠ્ઠી ખાતામાં પરાણે મજૂરી કરાવતો અને સાસુ મણીબેન અવાર-નવાર મેણા ટોણા મારી ’તારા પિતાએ કંઈ શીખવ્યું નથી’ તેમ કહેતા અને પતિની ચડામણી કરતા જેથી પતિ અમિત જમનાબેનને મારકૂટ કરતો હતો.
ચાર વખત રીસામણે ગઈ હતી
આ દરમિયાન પરિણીતા ચારેક વખત રીસામણે ગઈ હતી. જોકે આરોપી તેને સમજાવી પરત ઘરે લઈ જતો. નાનજીભાઈએ તેની પુત્રી અવારનવાર ફોન કરી અને રૂબરૂ કહેતી કે, આરોપી મારકૂટ છે. જોકે પિતા દીકરીનું લગ્નજીવન સુખેથી ચાલે એટલા માટે તે તેને સમજાવી પરત સાસરે મોકલી આપતા હતા જોકે પતિ ખૂબ જ મારકૂટ કરતો હોવાનું અને સહન થતું ન હોવાનું અને આ લોકો કા મારી નાખશે કે મરી જવા મજબુર કરે ત્યાં સુધીનો ત્રાસ આપતા હોવાનું કહી ત્રાસના કારણે આત્મહત્યા કરી લઈશ તેવી વાત કરી જમનાબેને અગાઉ પણ કરી હતી.
પતિ અમિતે ખૂબ જ માર માર્યો
ગત તા.29 નવેમ્બર ના રોજ જમનાબેને તેમની બહેનને ફોન કરી પતિ અમિતે ખૂબ જ માર માર્યો હોવાનું કહ્યું હતું. તેના બીજા દિવસે તા.30 ના પણ ફોન કરી પરિણીતાએ તેનો પતિ તેના સાસુએ ચડામણી કરતા માર માર્યાની વાત કરી હતી બાદમાં તા.30 ના તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે આજી ડેમ પોલીસે આઇપીસી કલમ 498(ક), 306 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.