વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા.8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજકોટથી સોમનાથ જવા માટેની સ્પેશ્યલ ટ્રેન 4 દિવસ દરમિયાન દોડશે. જેમાંની પ્રથમ ટ્રેનનો આજે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી પ્રારંભ થયો હતો. આ સમયે ડમરુ અને કરતાલના નાદ સાથે રેલવે સ્ટેશન પર દિવ્ય ધાર્મિક માહોલ સર્જાયો હતો.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવનાર છે. જેમાં દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિરના પ્રમુખ નરેન્દ્ર મોદી અહીં 10 જાન્યુઆરીએ ઉપસ્થિત રહેવાના છે. જેને લઈ રાજકોટથી 7,8,9 અને 10 જાન્યુઆરીના એમ 4 દિવસ સ્પેશિયલ ટ્રેન દોડશે. પ્રથમ ટ્રેન આજે રાત્રે 12 વાગ્યે ભક્તિમય માહોલમાં રવાના થઈ હતી. આ તકે મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.