Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.


બુધવારે પ્રથમ દિવસના પ્રથમ સેશનમાં ભારતે એક વિકેટે 41 રન બનાવ્યા છે. કેપ્ટન કેએલ રાહુલ (20) અને ચેતેશ્વર પૂજારા (00) અણનમ છે. શુબમન ગિલ 20 રન બનાવીને આઉટ થયો છે.

ટીમ ઈન્ડિયા 3 સ્પિનરો સાથે ઉતરી હતી
ટીમ ઈન્ડિયા 3 સ્પિનરો અને 2 ફાસ્ટ બોલરો સાથે રમી રહી છે. સ્પિનરમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને આર. અશ્વિનને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ફાસ્બોટલરોમાં મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કરવા મેદાનમાં ઉતરશે. તે જ સમયે, બાંગ્લાદેશ 22 વર્ષમાં પ્રથમ વખત ટીમ ઇન્ડિયા સામે ટેસ્ટ જીતવા માંગશે.

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશ: ઝાકિર હસન, નજમુલ હસન શાંતો, યાસિર અલી, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, નુરુલ હસન, મેહિદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, ખાલેદ અહેમદ અને ઈબાદત હુસૈન.

11 ટેસ્ટમાંથી ભારતની 9 વખત જીત
બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ રમાઈ છે. 9 ભારતે જીતી અને 2 મેચ ડ્રો થઈ છે. બાંગ્લાદેશની ટીમ ભારત સામે એક પણ ટેસ્ટ જીતી શકી નથી. ભારતે 9માંથી 5 વખત ઇનિંગ્સના માર્જિનથી હરાવ્યું છે. 2 વખત 9થી વધુ વિકેટથી અને 2 વખત 100થી વધુ રનના અંતરથી હાર આપી છે. ભારતે પણ બાંગ્લાદેશમાં 8 ટેસ્ટ રમી છે, જેમાંથી 6 મેચ જીતી અને 2 ડ્રો રહી છે.

હવામાન સ્થિતિ
બાંગ્લાદેશમાં અત્યારે ઠંડીનું વાતાવરણ છે. બુધવારે ચિત્તાગોંગમાં વરસાદ નહીં પડે. તાપમાન 18થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. પ્રથમ સેશનમાં ધુમ્મસના કારણે ઝડપી બોલરોને પ્રથમ એક કલાકમાં મદદ મળશે. ત્યારબાદ બપોરથી સાંજ સુધી ધીમા પવન સાથે તડકો રહેશે.

ચિત્તાગોંગ પિચ રિપોર્ટ
આ મેદાન પર અત્યાર સુધીમાં 22 મેચ રમાઈ છે. 8 વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમો અને 7 વખત બીજી વખત બેટિંગ કરનારી ટીમોએ મેચ જીતી હતી. 7 મેચ ડ્રો રહી હતી. પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 371, બીજી ઇનિંગ 345, ત્રીજી ઇનિંગ 232 અને છેલ્લી ઇનિંગ 215 રન છે. આવી સ્થિતિમાં, ટોસ જીત્યા પછી, ટીમો પ્રથમ બેટિંગ કરવા માંગે છે.

ટીમ ઈન્ડિયા પાસે મજબૂત બેટિંગ ઓર્ડર
વન-ડે સિરીઝમાં 2-1થી હાર્યા પછી ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝમાં આક્રમક અભિગમ અપનાવશે. ટીમ પાસે રાહુલ, ગિલ, કોહલી, પૂજારા, અય્યર અને પંતના રૂપમાં મજબૂત બેટિંગ લાઈન-અપ છે. અશ્વિન અને અક્ષરના રૂપમાં 2 ટૉપ ક્લાસ સ્પિનર્સ પણ છે. જે લોઅર ઓર્ડરમાં પણ બેંટિગ કરી શકે છે.

બોલિંગમાં ભારત પાસે કુલદીપ યાદવના રૂપમાં ત્રીજો સ્પિનર છે. તેમજ ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજના રૂપમાં બેસ્ટ પેસર્સ ઉપલબ્ધ છે. બન્ને 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરીને બાંગ્લાદેશના બેટર્સને સતત મુશ્કેલીમાં મૂકી શકે છે.