ભારતની ટીમે 1983માં વર્લ્ડકપ જીતીને ક્રિકેટની દુનિયામાં ધૂમ મચાવી દીધી હતી. આ વર્લ્ડકપના સફરમાં એક એવો ખેલાડી હતો જેની સફળતાની ચર્ચા બહુ કરવામાં નથી આવી. જોકે, એ ખાલીએ ખરા અર્થમાં વર્લ્ડકપનો જીતનો પાયો નાખ્યો હતો. આજે એજ ખેલાડીનો જન્મ દિવસ છે. જી હાં, એ ખેલાડી બીજો કોઈ નહીં પણ યશપાલ શર્મા છે. ત્યારે જાણીએ 1983ના વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત કરનાર હીરોની કહાની....
વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત કરાવી-
1983માં લોકોની અપેક્ષા વિરુદ્ધ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી દિગ્ગજ ટીમોને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારે આ ભારતીય ટીમનો મિડલ ઓર્ડરનો એક ખેલાડી ટીમની કરોડરજ્જુ સમાન હતો. આપણે વાત કરીએ છીએ યશપાલ શર્માની. 11 ઓગસ્ટ 1954માં યશપાલ શર્માનો લુધિયાણામાં જન્મ થયો હતો. જેમણે ભારત માટે ક્રિકેટક્ષેત્રે ખુબ જ વિશેષ યોગદાન આપ્યું છે.
યશપાલ સામે ચેમ્પિયન ટીમ પણ ઝૂકી-
1983ના વર્લ્ડ કપમાં ભારતની પહેલી બે મેચ જ વિશ્વ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી. જેમાં ભારતીય ટીમને વિન્ડીઝે પહેલા બેટિંગ માટે બોલાવી. ત્યારે 76ના સ્કોર પર ત્રીજી વિકેટ પડ્યા બાદ ભારતે યશપાલ શર્માને મેદાનમાં ઉતર્યો. પરંતુ 141 રનના સ્કોર સુધી પહોંચતા તો ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ચૂકી હતી. પરંતુ યશપાલ અડગ બની હજુ મેદાનમાં ઊભો હતો.
વર્લ્ડકપ જીતવાનો પાયો યશપાલે નાખ્યો-
અડધી ટીમ આઉટ થયા બાદ યશપાલ મેદાન પર ટકી રહ્યો. યશપાલ શર્માએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં 9 ચોગ્ગા સાથે એકલાએ 89 રન ફટકારી ભારતનો સ્કોર 268 રન પર પહોંચાડ્યો હતો. યશપાલની શાનદાર ઇનિંગથી ભારતે ગ્રુપ બીની પ્રથમ મેચમાં મોટો અપસેટ સર્જ્યો હતો. ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 34 રનથી હરાવી ભારતે વિશ્વ ચેમ્પિયન બનવાનો પાયો નાંખ્યો હતો.
ઓસ્ટ્રેલિયાને પણ ધૂળ ચટાવી-
યશપાલે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે પણ 40 બોલમાં 40 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. મહત્વની વાત એ છે કે તે મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન યશપાલે નહોંતા બનાવ્યા. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમાના કોઈ ખેલાડીએ આટલા રન બનાવ્યા નહોંતા. 248 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 129 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી મદન લાલ, રોજર બિન્ની 4-4 અને બલવિંદર સંધુએ 2 વિકેટ લીધી હતી.
સેમિફાઈનલમાં પણ શાનદાર બેટિંગ-
યશપાલ શર્માએ સેમિફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડ સામે 2 સિક્સ અને 3 ચોગ્ગાની મદદથી સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. જેમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝનું સતત ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું તોડી નાખ્યું અને પ્રથમ વખત વર્લ્ડ કપ પર કબજો કર્યો. 1983ના વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન કપિલ દેવે 303 રન બનવ્યા હતા. તો 240 રન સાથે યશપાલ શર્મા બીજા નંબર પર રહ્યો હતો.
વન-ડેમાં ક્યારેય શૂન્ય પર આઉટ નથી થયો-
યશપાલ શર્મા 1978થી 1985 સુધીમાં 42 વન-ડે મેચ રમ્યા. જેમાં 28.48ની સરેરાશથી 883 રન બનાવ્યા હતા. તેણે વન-ડેમાં કોઈ સદી નથી ફટકારી. પરંતુ તે વન-ડેમાં ક્યારેય શૂન્ય પર આઉટ નથી થયો. યશપાલે 37 ટેસ્ટ મેચોમાં 33.45ની એવરેજથી 1606 રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને 9 અડધી સદી ફટકારી હતી.
વિશ્વનાથ સાથે રેકોર્ડબ્રેક પાટનરશિપ-
યશપાલની શ્રેષ્ઠ ઈનિંગ સૌથી વધુ યાદગાર છે. 1982માં ઇંગ્લેન્ડ સામે મદ્રાસ ટેસ્ટમાં ગુંડપ્પા વિશ્વનાથ સાથે ત્રીજી વિકેટ માટે 316 રનની રેકોર્ડબ્રેક પાટનરશિપ કરી હતી. જેમાં વિશ્વનાથના 222 અને યશપાલના 140 રન હતા. આ ટેસ્ટ મેચના બીજા દિવસે એકપણ વિકેટ પડી નહોંતી. 2011માં ઈયાન બેલ અને કેવિન પીટરસને ઓવલમાં 350 રનની ભાગીદારી કરીને આ રેકોર્ડ તોડ્યો હતો. યશપાલ શર્માએ 13 જુલાઈ 2021ન દિવસે 66 વર્ષની ઉંમરે હાર્ટ અટેકના લીધે દુનિયાને અલવિદા કહ્યું.