વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારી અને વ્યાજદર વધારા છતાં લોન ગ્રોથ જળવાઇ રહ્યો છે. ફાઇનાન્સ કંપનીઓનો ગ્રોથ છેલ્લા કેટલાક સમયથી ડબલ ડિજિટમાં રહ્યો છે. મેટ્રો ઉપરાંત ટીયર 2 અને 3માંથી મોટા પાયે માગ આવી રહી છે જેને ધ્યાનમાં રાખી ફાઇનાન્સ કંપનીઓએ વિસ્તરણની યોજના ઘડી છે.
આધાર હાઉસિંગ ફાઇનાન્સની ગુજરાતમાં એસેટ અંડર મેનેજમેન્ટ રૂ.1,500 કરોડે પહોંચી છે, જે રાષ્ટ્રીય સ્તરે રૂ.16,000 કરોડની રહી છે. ગુજરાતમાં આ વર્ષે રૂ.700 કરોડની લોન ડિસબર્સમેન્ટનો લંક્ષ્યાક છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે રૂ.6,000 કરોડનો હોવાનું કંપનીના સીઓઓ રિષી આનંદે જણાવ્યું હતું. કંપનીની કામગીરી કોરોનાના સમય પહેલાનાં સ્તરે પહોંચી ગઈ છે. 2019-20માં ગ્રોથ 17 ટકાના સ્તરે હતો તે આ વર્ષે વધીને 25 ટકાએ પહોંચ્યો છે. કંપનીએ નાના શહેરો અને નગરો તથા ગામડામાં વધતી માગને ધ્યાનમાં લઇને નેટવર્કનું વિસ્તરણ હાથ ધર્યું છે અને તે હેઠળ અમદાવાદમાં નવી પ્રાદેશીક ઓફિસની શરૂઆત કરી છે.
દેશમાં એર્ફોડેબલ હાઉસિંગ લોનું માર્કેટ રૂ.80,000 કરોડનું છે, જેમાં કંપનીનો હિસ્સો 24 ટકા રહ્યો છે. કંપની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં સૌથી વધુ રૂ.1,500 કરોડની લોન વિતરણ કરનાર રહી છે, જે સૂચવે છે કે કંપનીનું ફોકસ દેશના અંતરિયાળ ભાગોમાં વધુ રહ્યું છે, એમ જણાવીને તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં 1.95 ટકાનો વ્યાજદરમાં વધારો થયો હોવા છતાં કંપનીએ ગ્રાહકો પર અડધો ટકાનો જ વધારો પસાર કર્યો છે.