ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં નવા વર્ષના પહેલા દિવસે જ એક મેચમાં કોન્ટ્રોવર્સી થઈ ગઈ. બ્રિસ્બેન હીટ અને સિડની સિક્સર્સ વચ્ચે મેચ હતી. 19મી ઓવરના બીજા બોલ પર સિક્સર્સ ટીમના જોર્ડન સિલ્કે એક્સ્ટ્રા કવર તરફ હવામાં શોટ ફટકાર્યો, જ્યાં હીટ ટીમના માઈકલ નેસરે 3 પ્રયત્નમાં શાનદાર કેચ પકડ્યો. આ કેચ પર કોન્ટ્રોવર્સી થવા લાગી.
શું છે કોન્ટ્રોવર્સી?
નેસરે બાઉન્ડરીની અંદર બોલ પકડ્યો અને પહેલા બોલને હવામાં ઉછાળ્યો. બોલ બાઉન્ડરીની બહાર ગયો. નેસર લગભગ 2-3 મીટર બાઉન્ડરીની બહાર ગયો અને હવામાં ઉછાળેલા બોલને બીજી વખત ઉછાળીને અંદર પહોંચાડ્યો. અને ફરીથી બાઉન્ડરીની અંદર જઈને કેચ પૂરો કર્યો. એમ્પાયરે સિલ્કને આઉટ આપ્યો અને તેમની ટીમ હારી ગઈ.
આ કેચ પછી ક્રિકેટ એક્સપર્ટ પણ કન્ફ્યુઝ થઈ ગયા. ઘણા એક્સપર્ટે કહ્યું હતું કે એક વખત બાઉન્ડરીની બહાર ગયા પછી ફિલ્ડર કેચ પકડે તો તેને લીગલ માનવામાં ન આવે.,પરંતુ ઘણાએ આ કેચને લીગલ માન્યો. આગળ આપણે જાણીશું કે આ પ્રકારના કેચ પર iccનો સત્તાવાર નિયમ શું કહે છે. સાથે જ આ પ્રકારના કેચનું બીજું ઉદાહરણ પણ જોઈશું.
આ પ્રકારના કેચનો ઉલ્લેખ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના નિયમ નંબર 19.5.2માં કરવામાં આવ્યો છે, જે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) માટે ક્રિકેટના નિયમો બનાવે છે. એ અનુસાર, કેચ પકડતા સમયે બોલને પહેલી વખત અડતી વખતે ફિલ્ડરના પગ બાઉન્ડરીની અંદર હોવા જોઈએ. ત્યાર પછી કેચ પકડતી વખતે પણ ફિલ્ડરના પગ બાઉન્ડરીની અંદર હોવા જોઈએ.
બોલ સાથેના આ કોન્ટેક્ટ વચ્ચે ફિલ્ડર બાઉન્ડરીની બહાર જઈ શકે છે. તે બોલને બાઉન્ડરીની બહાર હવામાં ઉછાળીને પણ ગ્રાઉન્ડમાં અંદર પણ ફેંકી શકે છે, પરંતુ બાઉન્ડરીની બહાર ઊભા રહીને બોલને પકડી શકતો નથી. આમ કરવાથી કેચ કમ્પ્લીટ માનવામાં આવશે નહીં અને બેટર નોટઆઉટ રહેશે.