રશિયાએ શનિવારે ફરી એકવાર યુક્રેનમાં 33 મિસાઇલો છોડી હતી. યુક્રેનના નિપ્રો શહેરમાં નવ માળની ઈમારત પર મિસાઈલ પડતાં 20 લોકોના મોત થયા હતા અને 73 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરિલો ટિમોશેન્કોએ જણાવ્યું હતું કે મૃતકોમાં એક 15 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ રેસ્ક્યુ ટીમે ઈમારતમાંથી 37 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે હુમલા પહેલા 33માંથી 21 રશિયન મિસાઇલોને નષ્ટ કરી દેવામાં આવી હતી. યુક્રેનના ઉર્જામંત્રી જર્મન ગાલુશચેંકોએ કહ્યું હતું કે રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર હુમલો કર્યો છે, જેના કારણે દેશના મોટા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો. હોસ્પિટલો અને રહેણાક મકાનોમાં પણ પાવર સપ્લાય બંધ થઈ ગઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં ઈમર્જન્સી બ્લેકઆઉટ લાગુ છે.
રશિયાએ 29 ડિસેમ્બરના રોજ સમુદ્ર અને આકાશમાંથી 120 મિસાઇલો છોડી હતી, જે યુદ્ધની શરૂઆત પછી યુક્રેન પરનો સૌથી મોટો હુમલો હતો. રાજધાની કીવ સહિત 7 શહેરો પર આ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં 14 વર્ષની બાળકી સહિત 3 લોકો ઘાયલ થયા હતા. આ પહેલા 15 નવેમ્બરે રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલ છોડી હતી. આમાંથી બે પોલેન્ડમાં પડી હતી. ત્યારબાદ કીવના મેયરે લોકોને બંકરોમાં રહેવા કહ્યું હતું.